૩૧
૧ હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું;
મારી જરા પણ બદનામી થવા દેતા નહિ.
તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
૨ મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો;
તમે મારે માટે મજબૂત ગઢ
તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
૩ કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો;
માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
૪ મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો,
કારણ કે તમે મારો આશ્રય છો.
૫ હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
૬ જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.
૭ હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ,
કેમ કે તમે મારું દુ:ખ જોયું છે;
તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.
૮ તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી.
તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.
૯ હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું;
ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
૧૦ કેમ કે સંતાપથી મારી જિંદગી
અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે.
મારા પાપના કારણે મારું બળ ઘટે છે
અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
૧૧ મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે;
મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે
અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે.
જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
૧૨ મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી.
હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
૧૩ કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે,
ચારે બાજુ ધાસ્તી છે
તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે.
તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
૧૪ પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું;
મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
૧૫ મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે.
મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
૧૬ તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો;
તમારી કૃપાથી મને બચાવો.
૧૭ હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે!
દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.
૧૮ જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી
તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
૧૯ જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે,
તથા તમારા પર ભરોસો રાખનારને માટે
મનુષ્યોની આગળ તમે દર્શાવી છે,
તે કેટલી મોટી છે!
૨૦ તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો.
તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
૨૧ યહોવાહની સ્તુતિ થાઓ,
કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણુ દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
૨૨ અધીરતાથી મેં કહી દીધું હતું કે,
“તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,”
તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતિ કરી,
ત્યારે તમે મારું સાંભળ્યું.
૨૩ હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો.
યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે,
પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
૨૪ જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે,
તે બળવાન તથા હિંમતવાન થાઓ.