૧ હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું!
જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
૨ રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
મને છોડાવનાર કોઈ મળે નહિ.
૩ હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી;
મારા હાથમાં કંઈ બૂરાઈ નથી.
૪ મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી,
વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.
૫ જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે;
મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે
અને મારું માન ધૂળમાં મેળવી દે.
સેલાહ
૬ હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો;
મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ;
મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.
૭ દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય;
તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
૮ યહોવાહ લોકોનો ન્યાય કરે છે;
હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
૯ દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો,
ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
૧૦ મારી ઢાલ ઈશ્વર છે,
તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
૧૧ ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે,
ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
૧૨ જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તરવાર તીક્ષ્ણ કરશે
તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
૧૩ તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે;
અને પોતાનાં બાણને બળતાં કરે છે.
૧૪ તે ભૂંડાઈથી કષ્ટાય છે,
તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
૧૫ તેણે ખાડો ખોદ્યો છે
અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
૧૬ તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે,
કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.
૧૭ હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ;
હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.