22
દાઉદનું-ગીત 
 1 દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:  2 તેણે કહ્યું, 
“ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. 
 3 ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. 
તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, 
તેઓ મને જુલમથી બચાવે છે. 
 4 ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, 
તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ. 
 5 કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, 
દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો. 
 6 શેઓલ* 22:6 પાતાળનાં બંધનોએ મને ઘેરી લીધો, 
મરણની જાળમાં હું સપડાઈ ગયો. 
 7 એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; 
મારા પ્રભુને પોકાર કર્યો; 
તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, 
મારી અરજ તેમને કાને પહોંચી. 
 8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. 
આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, 
કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા. 
 9 તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, 
અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. 
તેનાથી અંગારા સળગી ઊઠ્યા. 
 10 અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, 
તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો. 
 11 પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. 
વાયુની પાંખો પર દેખાયા. 
 12 અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, 
આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં. 
 13 તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા. 
 14 આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. 
પરાત્પરે અવાજ કર્યો. 
 15 તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા 
વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા. 
 16 ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, 
તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, 
સમુદ્રનાં તળિયાં દેખાયાં, 
જગતના પાયા ઉઘાડા થયા. 
 17 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! 
પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા. 
 18 તેમણે મારા બળવાન શત્રુથી, 
જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા. 
 19 મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, 
પણ મારો આધાર ઈશ્વર હતા. 
 20 વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા† 22:20 તેઓ મને નાશમાંથી બચાવ્યા. 
તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા. 
 21 ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; 
તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે. 
 22 કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે 
અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી. 
 23 કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; 
તેમના વિધિઓથી હું દૂર ગયો નથી. 
 24 વળી હું તેમની આગળ નિર્દોષ હતો, 
મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે. 
 25 તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા 
તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે. 
 26 કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, 
નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો. 
 27 શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, 
હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો. 
 28 દુઃખી લોકોને તમે બચાવશો, 
પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો. 
 29 કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. 
ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે. 
 30 કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું‡ 22:30 હું તમારા સામર્થ્યથી તેઓનો છુંદશે. 
મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું. 
 31 કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. 
ઈશ્વરનું વચન શુદ્ધ છે. 
જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે. 
 32 કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? 
અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે? 
 33 ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે 
તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે. 
 34 તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે 
અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે. 
 35 તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, 
તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. 
 36 વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, 
તમારી કૃપાએ મને મોટો કર્યો છે. 
 37 તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, 
જેથી મારા પગ લપસી ગયા નથી. 
 38 મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. 
તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ. 
 39 મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. 
તેઓ મારા પગ આગળ પડ્યા છે. 
 40 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; 
મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે. 
 41 વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. 
કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું. 
 42 તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; 
તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ. 
 43 ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. 
મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા. 
 44 તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. 
વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. 
જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે. 
 45 વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. 
મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે. 
 46 વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે. 
 47 ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! 
મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ. 
 48 એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, 
જે લોકોને મારી સત્તા નીચે લાવે છે. 
 49 તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. 
તમે બળાત્કારી માણસથી મને બચાવો છો. 
 50 એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; 
હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ. 
 51 ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, 
પોતાના અભિષિક્ત પર, 
એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.”