14
પિતા તરફ લઈ જતો માર્ગ ઈસુ 
 1  ‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.  2  મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.  3  હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. 
 4  હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’ ”  5 થોમા તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?’ ”  6 ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.  7  તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે. 
 8 ફિલિપ તેમને કહે છે કે, ‘પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પૂરતું છે.  9 ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો? 
 10  હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે.  11  હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.’ ” 
 12  હું તમને સાચે જ કહું છું કે, ‘હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.  13  જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય.  14  જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ. 
પવિત્ર આત્માનું વરદાન 
 15  જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.  16  અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે,  17  એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. 
 18  હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.  19  થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો.  20  તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું. 
 21  જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.’ ”  22 યહૂદા, જે ઇશ્કારિયોત ન હતો, તે તેને કહે છે કે, ‘પ્રભુ, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને દુનિયાની સમક્ષ નહિ, એનું શું કારણ છે?’ ” 
 23 ઈસુએ જવાબ આપ્યો કે, ‘જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.  24  જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેમના છે. 
 25  હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે.  26  પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.  27  હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં. 
 28  મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, ‘હું જાઉં છું, તમારી પાસે પાછો આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમ કે મારા કરતાં પિતા મહાન છે.  29  હવે જયારે એ બાબતો થાય ત્યારે તમે વિશ્વાસ કરો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. 
 30  હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરવાનો નથી, કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને તેનો મારા પર કોઈ હિસ્સો નથી;  31  પણ માનવજગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું એ માટે આ થાય છે, ઊભા થાઓ, અહીંથી આપણે જઈએ.’ ”