ત્રીજો સંવાદ 
 22
22:1-27:23 
અલિફાઝ 
 1 ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે, 
 2 “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? 
શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે? 
 3 તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? 
તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો? 
 4 શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે 
અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે? 
 5 શું તારી દુષ્ટતા ઘણી નથી? 
તારા અન્યાય તો પાર વિનાના છે. 
 6 કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; 
અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે. 
 7 તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; 
તમે ભૂખ્યાને રોટલી આપી નથી, 
 8 જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. 
અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો. 
 9 તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; 
અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. 
 10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે, 
અને અણધારી આફત તને ડરાવી મૂકે છે; 
 11 જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, 
અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે. 
 12 શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? 
તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે? 
 13 તું કહે છે, ઈશ્વર શું જાણે છે? 
શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે? 
 14 ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; 
અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’ 
 15 જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, 
તેને શું તું વળગી રહીશ? 
 16 તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, 
તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો. 
 17 તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’ 
તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’ 
 18 તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; 
પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે. 
 19 ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; 
અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે. 
 20 તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; 
અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’ 
 21 હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; 
જેથી તારું ભલું થશે. 
 22 કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ 
અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ. 
 23 જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, 
અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. 
 24 જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, 
અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે. 
 25 તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, 
અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે. 
 26 તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; 
અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે. 
 27 તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; 
અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. 
 28 વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; 
તારા માર્ગમાં પ્રકાશ પડશે. 
 29 ઈશ્વર અભિમાનીને પાડે છે, 
અને નમ્રને તેઓ બચાવે છે. 
 30 જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, 
તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”