3
 1 “જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે; અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે. 
 2 પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકશે? અને જ્યારે તે પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે.  3 તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે, તેઓ યહોવાહને ન્યાયીપણાનું અર્પણ ચઢાવશે. 
 4 ત્યારે પ્રાચીન કાળનાં વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણો યહોવાહને પસંદ પડશે.  5 “પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. 
 6 “કેમ કે હું, યહોવાહ, બદલાતો નથી, તેથી હે યાકૂબના લોકો, તમારો સર્વનાશ થયો નથી. 
દશાંશો આપવા વિષે 
 7 તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, અને હું તમારી પાસે પાછો આવીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “પણ તમે કહો છો, ‘અમે કેવી રીતે પાછા ફરીએ?’ ” 
 8 શું માણસ ઈશ્વરને લૂંટી શકે છે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે કેવી રીતે તમને લૂંટ્યા? દશાંશોમાં તથા અર્પણોમાં.  9 તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે. 
 10 દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, કે જેથી મારા ઘરમાં અન્નની અછત રહે નહિ. અને તમે મને પારખો કે,” “જુઓ હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાની જગા નહિ હોય, એટલો આશીર્વાદ તમારા પર મોકલું છું કે નહિ, એવું સૈન્યોના યહોવાહ કહે છે.  11 તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.  12 “સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમારો દેશ ખુશહાલ થશે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે. 
ઈશ્વર દયા દર્શાવનાર છે 
 13 યહોવાહ કહે છે, “તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યાં છે,” પણ તમે કહો છો કે, ‘અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ?’  14 તમે કહ્યું છે કે, ‘ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાહની આગળ શોકપૂર્વક ચાલ્યા તેથી અમને શો લાભ થયો?  15 અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતાં નથી, પણ તેઓ, ઈશ્વરને પારખે છે અને બચી જાય છે.’ ” 
 16 ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી; યહોવાહે તે ધ્યાનથી સાંભળ્યું અને ભય રાખનારાઓને સારુ તથા તેમના નામનું આદર રાખનારાઓને સારુ યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું. 
 17 સૈન્યોના યહોવાહ કહે છે, “તેઓ મારા થશે,” “જે દિવસે હું આ કરીશ તે દિવસે, તેઓ મારું ખાસ દ્રવ્ય થશે; જેમ પિતા પોતાની સેવા કરનાર દીકરા પર દયા રાખે, તેમ હું તેમના પર દયા રાખીશ.  18 ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો તથા ઈશ્વરની સેવા કરનાર અને સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજશો.