ગીતશાસ્ત્ર 
લેખક 
ગીતશાસ્ત્ર, ભાવાત્મક કવિતાઓનો એક સંગ્રહ, જૂના કરારનું એક પુસ્તક છે કે જે વિભિન્ન લેખકો દ્વારા લખાયેલ સંયુક્ત લખાણોનો સંગ્રહ છે. દાઉદે 73, આસાફે 12, કોરહના દીકરાઓએ 9, સુલેમાને 3 તથા એથાન અને મૂસાએ એક એક ગીત લખ્યાં છે. (ગીતશાસ્ત્ર 90), અને 51 ગીતોનો કર્તા અજ્ઞાત છે. સુલેમાન અને મૂસાને બાદ કરતાં બીજા બાકીના લેખકો યાજકો તથા લેવીઓ હતા કે જેઓ દાઉદના રાજ્યકાળ દરમ્યાન પવિત્રસ્થાનની આરાધના માટે સંગીત પૂરું પાડવા જવાબદાર હતા. 
લખાણનો સમય અને સ્થળ 
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1440 થી 430 વચ્ચેનો છે. 
વ્યક્તિગત સ્તોત્રો ઇતિહાસમાં મૂસાના સમય જેટલા પ્રાચીન સમયમાં લખાયા હતા અને પછી દાઉદ, આસાફ અને સુલેમાનના સમયમાં લખાયા અને એઝ્રાહીઓના સમય સુધી કે જેઓ સંભવિત રીતે બાબિલના બંદીવાસ પછી થઈ ગયા અને આનો અર્થ એ થાય છે કે લખાણોનો ગાળો હજાર વર્ષ સુધીનો છે. 
વાંચકવર્ગ 
ઇઝરાયલનું રાષ્ટ્ર કે જેમના માટે ઈશ્વરે શું કર્યું હતું તેના સ્મરણરૂપે તથા ઇતિહાસના બધા જ વિશ્વાસીઓ. 
હેતુ 
ગીતશાસ્ત્ર ઈશ્વર અને તેમનું સર્જન, યુદ્ધ, આરાધના, ડહાપણ, પાપ અને દુષ્ટતા, ન્યાયશાસન, ન્યાય અને મસીહાનું આગમન જેવા વિષયો વિષે જણાવે છે. સમગ્ર લાંબા લખાણમાં ગીતશાસ્ત્ર તેના વાંચકોને ઈશ્વર પોતે જે છે અને તેમણે જે કર્યું છે તે માટે સ્તુતિ કરવા ઉત્તેજન આપે છે. ગીતશાસ્ત્ર આપણા ઈશ્વરની મહાનતા પ્રકાશિત કરે છે, સંકટના સમયોમાં તેમના આપણા પ્રત્યેના વિશ્વાસુપણાની પુષ્ટિ કરે છે અને આપણને તેમના વચનની સંપૂર્ણ કેંદ્રીયતા યાદ કરાવે છે. 
મુદ્રાલેખ 
સ્તુતિ 
રૂપરેખા 
1. મસીહનું પુસ્તક — 1:1-41:13 
2. ઇચ્છાઓનું પુસ્તક — 42:1-72:20 
3. ઇઝરાયલનું પુસ્તક — 73:1-89:52 
4. ઈશ્વરના નિયમોનું પુસ્તક — 90:1-106:48 
5. સ્તુતિનું પુસ્તક — 107:1-150:6  
ભાગ 1 
 1
ગી.શા. 1-41 
સાચું સુખ 
 1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, 
જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, 
અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. 
 2 યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે 
અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. 
 3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, 
જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, 
જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, 
તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. 
 4 દુષ્ટો એવા નથી, 
પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. 
 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ 
અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. 
 6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, 
પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.