75
ન્યાય-તુલા ઈશ્વરને હાથ 
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન 
 1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; 
અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; 
લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. 
 2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. 
 3 જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, 
તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. 
સેલાહ
  4 મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” 
અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ. 
 5 તમારું શિંગ ઊંચું ન કરો; 
અભિમાન સાથે ન બોલો.” 
 6 ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, 
ના તો અરણ્યમાંથી. 
 7 પણ ઈશ્વર ન્યાયાધીશ છે; 
તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. 
 8 કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, 
તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. 
નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. 
 9 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; 
હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. 
 10 તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ* 75:10 સામાર્થ્ય કાપી નાખીશ, 
પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”