143
નિરાશ બનેલા ભક્તનો આર્તનાદ 
દાઉદનું ગીત. 
 1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. 
તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો! 
 2 તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, 
કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી. 
 3 મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; 
તેણે મને જમીન પર પછાડ્યો છે; 
તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે. 
 4 મારો આત્મા મૂંઝાઈ ગયો છે; 
મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે. 
 5 હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; 
તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; 
અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું. 
 6 પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; 
સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે. 
 7 હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. 
તમારું મુખ મારાથી ન સંતાડો, 
રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં. 
 8 મને સવારે તમારી કૃપા અનુભવવા દો; 
કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. 
જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, 
કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું. 
 9 હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો; 
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું. 
 10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, 
કારણ કે તમે મારા ઈશ્વર છો. 
તમારો ઉત્તમ આત્મા 
મને સત્યને માર્ગે દોરી જાઓ. 
 11 હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો; 
તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો. 
 12 તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; 
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; 
કારણ કે હું તમારો સેવક છું.