9
પડોશી પ્રજાઓનો ન્યાય 
 1 યહોવાહનું વચન હાદ્રાખ દેશ તથા દમસ્કસ જે તેનું વિશ્રામસ્થાન છે તેના માટે છે: કેમ કે યહોવાહની નજર માનવજાત પર ઇઝરાયલનાં કુળો પર છે.  2 દમસ્કસની સરહદ પર આવેલું હમાથ, તૂર તથા સિદોન બહુ ચતુર છે છતાં:  3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે.  4 જુઓ! પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે, તે અગ્નિથી ભસ્મ થઈ જશે. 
 5 આશ્કલોન જોઈને બી જશે! ગાઝા પણ ભયથી ધ્રૂજી જશે! એક્રોનની આશાઓ નિષ્ફળ થશે! ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહિ!  6 આશ્દોદમાં અજાણી પ્રજા પોતાના ઘરો બનાવશે, હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.  7 કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે. 
 8 હું દુશ્મનોની મારા સભાસ્થાનની ચારેબાજુ છાવણી નાખીશ કે જેથી કોઈ અંદર આવજા કરે નહિ, કેમ કે હવે પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને જવા પામશે નહિ. કેમ કે હવે મેં મારી પોતાની આંખોથી તેઓને જોયા છે. 
ભાવિ રાજા 
 9 હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. 
જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે 
તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડાં પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે. 
 10 હું એફ્રાઇમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ; કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે, તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે! 
ઇઝરાયલનો થનાર ઉદય 
 11 તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યાં છે.  12 આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,  13 કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઇમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ! 
 14 યહોવાહ તેઓને દેખાશે, અને તેનું તીર વીજળીની જેમ છૂટશે. કેમ કે યહોવાહ મારા પ્રભુ, રણશિંગડું વગાડશે અને દક્ષિણના વંટોળિયાની જેમ કૂચ કરશે.  15 સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે. 
 16 યહોવાહ તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળાં તરીકે બચાવશે; તેઓ મુગટમાં જડેલાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.  17 તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.