૧૨
પવિત્ર આત્મા તરફથી દાનો 
 ૧ હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.  ૨ તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.  ૩ માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, 'ઈસુ પ્રભુ છે,' એવું કહી શકતો નથી. 
 ૪ કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;  ૫ સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.  ૬ કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે. 
 ૭ પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકનો સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.  ૮ કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે; 
 ૯ કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;  ૧૦ કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.  ૧૧ પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે. 
એક જ શરીર-અવયવો અનેક 
 ૧૨ કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.  ૧૩ કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે. 
 ૧૪ પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.  ૧૫ જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?  ૧૬ જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?  ૧૭ જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત? 
 ૧૮ પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.  ૧૯ જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?  ૨૦ પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે. 
 ૨૧ આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.  ૨૨ વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;  ૨૩ શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.  ૨૪ આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે, 
 ૨૫ એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.  ૨૬ અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.  ૨૭ હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો. 
 ૨૮ ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.  ૨૯ શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ? 
 ૩૦ શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?  ૩૧ જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.