૫
પ્રકાશમાં ચાલો 
 ૧ એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;  ૨ અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ. 
 ૩ વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે;  ૪ જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ [કરવી]. 
 ૫ કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.  ૬ તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.  ૭ એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ. 
 ૮ કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.  ૯ (કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)  ૧૦ પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.  ૧૧ અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.  ૧૨ કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. 
 ૧૩ જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે.  ૧૪ માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. 
 ૧૫ તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;  ૧૬ સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.  ૧૭ તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો. 
 ૧૮ દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;  ૧૯ ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;  ૨૦ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.  ૨૧ ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. 
પતિ અને પત્નીનો દાખલો 
 ૨૨ પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;  ૨૩ કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.  ૨૪ જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને [આધીન] રહેવું. 
 ૨૫ પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ;  ૨૬ એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને] પવિત્ર કરે,  ૨૭ અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે. 
 ૨૮ એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;  ૨૯ કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ પ્રભુ પણ વિશ્વાસી સમુદાયનું [પોષણ કરે છે] તેમ,  ૩૦ કેમ કે આપણે તેમના [ખ્રિસ્તનાં] શરીરનાં અંગો છીએ. 
 ૩૧ એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.  ૩૨ આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.  ૩૩ તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.