૭
મેલ્ખીસેદેક યાજક 
 ૧ આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો;  ૨ અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો 'ન્યાયીપણાનો રાજા,' પછી 'શાલેમનો રાજા,' એટલે 'શાંતિનો રાજા' છે.  ૩ તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે. 
 ૪ તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો.  ૫ અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;  ૬ પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો. 
 ૭ હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી.  ૮ અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.  ૯ અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો;  ૧૦ કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો. 
 ૧૧ એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?  ૧૨ કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે. 
 ૧૩ કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે, તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી.  ૧૪ કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી. 
મેલ્ખીસેદેક જેવો બીજો યાજક 
 ૧૫ હવે જે મેલ્ખીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારા ધોરણ પ્રમાણે નહિ પણ અવિનાશી જીવનનાં સામર્થ્ય પ્રમાણે;  ૧૬ બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે.  ૧૭ કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે 'તમે સનાતન યાજક છો.' 
 ૧૮ કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે.  ૧૯ (કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી), અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે. 
 ૨૦ પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારી છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,  ૨૧ પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, 'પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.' 
 ૨૨ તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.  ૨૩ જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.  ૨૪ પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. 
 ૨૫ માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.  ૨૬ તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે. 
 ૨૭ પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.  ૨૮ કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.