૨૦
 ૧ હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો,  ૨ તેથી પાશહૂરે યમિર્યાને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો. 
 ૩ બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે (સર્વત્ર ભય) એવું પાડ્યું છે.  ૪ કેમ કે યહોવાહ કહે છે કે તું પોતાને તથા તારા સર્વ મિત્રો પર ભયરૂપ થઈ પડે એવું હું કરીશ. તેઓ પોતાના શત્રુઓની તરવારથી મૃત્યુ પામશે. અને તું તારી નજરે જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઈશ. તે તેઓને કેદ કરીને બાબિલ લઈ જશે અને ત્યાં તેઓને તરવારથી મારી નાખશે. 
 ૫ હું આ નગરની સર્વ સંપત્તિ, તેની સર્વ પેદાશ અને તેની સર્વ કિંમતી વસ્તુઓ અને યહૂદિયાના રાજાઓનો બધો ખજાનો તેઓના શત્રુઓને સોંપી દઈશ, તેઓ તેને લૂંટશે. અને તેઓને પકડીને બાબિલ લઈ જશે.  ૬ વળી હે પાશહૂર, તું અને તારા ઘરમાં રહેનાર સર્વ બંદીવાન થશો. તમને બાબિલ લઈ જવામાં આવશે, અને ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે. તેઓ પણ ત્યાં મરશે. અને ત્યાં જ તેઓને દફનાવામાં આવશે. 
 ૭ હે યહોવાહ, તમે મને છેતર્યો છે; અને હું ફસાઈ ગયો. મારા કરતાં તમે બળવાન છો અને તમે મને જીત્યો છે. 
હું આખો દિવસો તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. સર્વ લોકો મારી મશ્કરી કરે છે. 
 ૮ કેમ કે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાંટા પાડીને બલાત્કાર તથા લૂંટ એવી હું બૂમ પાડું છું. 
કેમ કે યહોવાહનું વચન બોલ્યાને લીધે આખો દિવસ મારો તિરસ્કાર અને નિંદા થાય છે. 
 ૯ હું જો એમ કહું કે, 'હવે હું યહોવાહ વિષે વિચારીશ નહિ અને તેમનું નામ હું નહિ બોલું.' 
તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી પીડા મારા હૃદયમાં થાય છે. અને ચૂપ રહેતાં મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી. 
 ૧૦ મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; 'આપણે ફરિયાદ કરીશું.' 
મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. 
અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.' 
 ૧૧ પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવાહ મારી સાથે છે. જેઓ મારી પાછળ પડ્યા છે તેઓ ઠોકર ખાઈને પડી જશે. 
તેઓ મને હરાવશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે. તેઓ ફતેહ પામશે નહિ. 
તેઓનું અપમાન કાયમ રહેશે અને ભૂલાશે નહિ. 
 ૧૨ પણ હે સૈન્યોના યહોવાહ, ન્યાયની કસોટી કરનાર અને અંત:કરણ તથા હૃદયને પારખનાર, 
તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે. 
 ૧૩ યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! 
કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે. 
 ૧૪ જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. 
જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ. 
 ૧૫ 'તને દીકરો થયો છે' એવી વધામણી, 
જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ. 
 ૧૬ જે નગરો યહોવાહે નષ્ટ કર્યા છે અને દયા કરી નહિ. 
તેઓની જેમ તે માણસ નાશ પામે. તે માણસ સવારમાં વિલાપ અને બપોરે રણનાદ સાંભળો. 
 ૧૭ કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત, 
તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત. 
 ૧૮ શા માટે હું કષ્ટો અને દુ:ખ સહન કરવા ગર્ભમાંથી બહાર આવ્યો, 
જેથી મારા દિવસો લજ્જિત થાય?”