૨૩
 ૧ “જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને અફસોસ!” એમ યહોવાહ કહે છે.  ૨ તેથી જે પાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિષે યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “તમે મારા ટોળાને વિખેરી નાખ્યું છે અને નસાડી મૂક્યું છે. અને તેની પર ધ્યાન નથી આપ્યું, એ માટે! હવે હું તમે કરેલા દુષ્કૃત્યોની તમને સજા કરીશ” એવું યહોવાહ કહે છે. 
 ૩ “વળી જે દેશોમાં મેં તેઓને નસાડી મૂક્યા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.  ૪ હું એવા પાળકોની નિમણૂક કરીશ કે જેઓ તેમનું પાલન કરે. તેઓ ફરી બીશે નહિ કે ગભરાશે નહિ. અને ભૂલા પડશે નહિ” એમ યહોવાહ કહે છે. 
 ૫ યહોવાહ કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે “જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ''અંકુર'' ઉગાવીશ. 
તે રાજા તરીકે રાજ કરશે. તેના શાસનમાં આબાદી હશે. અને દેશમાં ન્યાય અને નીતિમત્તા લાવશે. 
 ૬ તેની કારકિર્દીમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલ સુરક્ષિત રહેશે. 
અને યહોવાહ અમારું ન્યાયીપણું છે. એ નામથી તેઓ તમને બોલાવશે; 
 ૭ યહોવાહ કહે છે, માટે જુઓ, હવે એવો સમય આવે છે” “ જ્યારે લોકો એવું નહિ કહે કે, ઇઝરાયલપુત્રોને મિસરમાંથી બહાર લાવનાર 'યહોવાહ જીવતા છે.'  ૮ પણ એમ કહેશે કે, 'ઇઝરાયલના વંશજોને ઉત્તરદેશમાંથી અને તેઓને જ્યાંથી નસાડી મૂક્યા હતા તે સર્વ દેશોમાંથી ફરી પાછા લાવનાર યહોવાહ જીવતા છે, તેઓ તેઓની પોતાની ભૂમિમાં વસશે.' 
 ૯ પ્રબોધકો વિષેની વાત; મારું હૃદય મારામાં વ્યથિત થયું છે. મારાં સર્વ હાડકાં કંપે છે. હું દ્રાક્ષારસથી મગ્ન બનેલ છું, 
યહોવાહને લીધે અને તેમના પવિત્ર વચનોને લીધે દ્રાક્ષારસથી મગ્ન થયેલા માણસના જેવો છું. 
 ૧૦ કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરાઈ ગયો છે. આ કારણે દેશ શોક કરે છે. 
જંગલમાંનાં બીડો સુકાઈ ગયાં છે. આ પ્રબોધકોનો' માર્ગ દુષ્ટ છે; અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી. 
 ૧૧ યહોવાહ કહે છે કે, પ્રબોધકો અને યાજકો બન્ને ભ્રષ્ટ થઈ ગયા છે. મેં તેઓની દુષ્ટતા મારા ઘરમાં પણ જોઈ છે.” 
 ૧૨ તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઈ ગયા છે. તેઓને હડસેલી મૂકવામાં આવશે; અને તેઓ તેમાં પડશે. 
કેમ કે હું તેઓના પર વિપત્તિ એટલે શાસનનું વર્ષ લાવીશ એમ યહોવાહ કહે છે. 
 ૧૩ મેં સમરુનના પ્રબોધકોમાં ઘૃણાજનક બાબતો જોઈ છે; તેઓએ બઆલને નામે પ્રબોધ કર્યો છે 
અને મારા ઇઝરાયલી લોકોને ખોટે માર્ગે દોર્યા છે. 
 ૧૪ અને યરુશાલેમના પ્રબોધકોમાં મેં ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે અને અસત્યના માર્ગે ચાલે છે. 
તેઓ દુષ્ટોના હાથને મજબૂત કરે છે. અને કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી. 
મારે મન તેઓ બધા સદોમના જેવા છે. અને તેના રહેવાસીઓ ગમોરાના જેવા થઈ ગયા છે.” 
 ૧૫ તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; 
“જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, 
કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે.” 
 ૧૬ સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. 
તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે. 
 ૧૭ જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે, 'યહોવાહ કહે છે કે તમને શાંતિ થશે.” 
જેઓ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ ચાલે છે તેમને કહે છે, તમારા પર કોઈ પણ વિપત્તિ આવશે નહિ.' 
 ૧૮ છતાં, યહોવાહના મંત્રીમંડળમાં કોણ ઊભું રહી શકે? કોણ તેમનું વચન જોવા અને સાંભળવા ઊભા રહે? 
કોણે તેમનું વચન સાંભળવા ધ્યાન આપ્યું છે? 
 ૧૯ જુઓ, યહોવાહ પાસેથી તોફાન આવે છે. તેમનો કોપ હા, ઘૂમરી મારતો રોષ પ્રગટ થયો છે. 
ઘૂમરી મારતો વંટોળીયો દુષ્ટના માથા પર આવી પડશે. 
 ૨૦ યહોવાહ પોતાના હ્રદયના મનોરથોને અમલમાં ન લાવે તથા સિદ્ધ કરે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. 
પાછલા દિવસોમાં, તમે તે સમજી શકશો. 
 ૨૧ આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડી ગયા. 
મેં આ લોકોને કશું કહ્યું નથી. છતાં તેઓ પ્રબોધ કરે છે. 
 ૨૨ તેઓ જો મારા મંત્રીમંડળમાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારાં વચનો સંભળાવ્યાં હોત; 
તેઓને તેઓના ખોટા માર્ગેથી અને કરણીઓની દુષ્ટતાથી પાછા વાળ્યા હોત. 
 ૨૩ યહોવાહ કહે છે કે શું હું કેવળ પાસેનો ઈશ્વર છું અને દૂરનો ઈશ્વર નથી? 
 ૨૪ શું ગુપ્ત સ્થાનોમાં કોઈ મારાથી પોતાને સંતાડી શકે છે કે હું તેને નહિ જોઉં?” એવું યહોવાહ કહે છે. 
“શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” એમ યહોવાહ કહે છે. 
 ૨૫ 'મને સ્વપ્ન આવ્યું છે! મને સ્વપ્ન આવ્યું છે!' એવા જે પ્રબોધકો મારા નામે ખોટો પ્રબોધ કરે છે. તેઓએ જે કહ્યું તે મેં સાભળ્યું છે;  ૨૬ જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે અને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે. તેઓના હ્રદયમાં એ કયાં સુધી રહેશે?  ૨૭ જેમ તેમના પિતૃઓ બઆલને કારણે મારું નામ વીસરી ગયા હતા તેમ તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને તેઓ વડે મારા લોકની પાસે મારું નામ ભુલાવી દેવાની કોશિશ કરે છે. 
 ૨૮ જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. 
ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.  ૨૯ યહોવાહ એમ કહે છે કે, “શું મારું વચન અગ્નિ સમાન નથી? તથા “ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવું નથી?  ૩૦ તે માટે યહોવાહ કહે છે, જુઓ, “જે પ્રબોધકો મારા વચનો એકબીજાની પાસેથી ચોરી લે છે તેઓની વિરુદ્ધ હું છું.” 
 ૩૧ જુઓ, જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. “અને તેઓની જીભ વાપરીને બોલે છે. તેઓની વિરુદ્ધ હું છું.”  ૩૨ જુઓ, હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું તેઓનાં સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે.” એમ યહોવાહ કહે છે. “અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. તેઓને મેં મોકલ્યા નથી. અને તેઓને મેં કોઈ આજ્ઞા પણ આપી નથી. તેઓ આ લોકને બિલકુલ હિતકારક થશે નહિ” એમ યહોવાહ કહે છે. 
 ૩૩ “જ્યારે આ લોક કે કોઈ પ્રબોધક અથવા કોઈ યાજક તેઓમાંથી કોઈ તને પૂછે કે, 'યહોવાહની વાણી કઈ છે?' ત્યારે તારે જવાબ આપવો કે, કઈ ઈશ્વરવાણી! યહોવાહ કહે છે કે હું તમને કાઢી મૂકીશ.'  ૩૪ વળી આ યહોવાહની ઈશ્વરવાણી છે એવું જો કોઈ પ્રબોધક, યાજક કે કોઈ લોક કહેશે, તો હું તેને અને તેનાં કુટુંબને શિક્ષા કરીશ. 
 ૩૫ 'યહોવાહે શો ઉત્તર આપ્યો છે?' અથવા 'યહોવાહ શું બોલ્યા છે?' એવું તમારે પોતપોતાના પડોશી અને ભાઈને કહેવું જોઈએ.  ૩૬ યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી. 
 ૩૭ પ્રબોધકોને તારે આ કહેવું કે; 'યહોવાહે તને શો ઉત્તર આપ્યો? યહોવાહે તમને શું કહ્યું છે?'  ૩૮ પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી 'એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં “તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,'  ૩૯ તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ. પછી જે નગર મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું તેઓને હું મારી નજર સમક્ષથી કરીશ.  ૪૦ અને જે કદી ભુલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”