૧૯
ઈસુ અને જાખ્ખી 
 ૧ ઈસુ યરીખોમાં થઈને જતા હતા.  ૨ ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો. 
 ૩ તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.  ૪ તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા. 
 ૫ તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, 'જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.'  ૬ તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા.  ૭ બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે. 
 ૮ જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, 'પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,'  ૯ ઈસુએ તેને કહ્યું કે, 'આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.  ૧૦ કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.' 
મહોરોની સોંપણી અને હિસાબનું દ્રષ્ટાંત 
 ૧૧ તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.  ૧૨ માટે ઈસુએ કહ્યું કે, 'એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો. 
 ૧૩ તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો.  ૧૪ પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, 'એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.'  ૧૫ એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે. 
 ૧૬ ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, 'માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે.  ૧૭ તેણે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.' 
 ૧૮ બીજાએ આવીને કહ્યું કે, 'શેઠ, તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.'  ૧૯ તેણે તેને પણ કહ્યું કે, 'તું પણ પાંચ શહેરનો ઉપરી થા.' 
 ૨૦ બીજા નોકરે આવીને કહ્યું કે, 'માલિક, જુઓ, તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી,  ૨૧ કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.' 
 ૨૨ કુલવાન માણસે તેને કહ્યું, 'ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો;  ૨૩ માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત. 
 ૨૪ પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.'  ૨૫ તેઓએ તેને કહ્યું કે, 'માલિક, તેની પાસે તો દસ મહોર છે!' 
 ૨૬ હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.  ૨૭ પરંતુ આ મારા વૈરીઓ કે જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં પકડી લાવો, અને મારી આગળ મારી નાખો.' 
યરુશાલેમમાં વિજયપ્રવેશ 
 ૨૮ એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા. 
 ૨૯ એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,  ૩૦ 'તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.  ૩૧ જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.' 
 ૩૨ જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું.  ૩૩ તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?'  ૩૪ તેઓએ કહ્યું કે, 'પ્રભુને તેની જરૂર છે.'  ૩૫ તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં કપડાં નાખીને ઈસુને તેના પર સવાર થયા.  ૩૬ ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં કપડાં માર્ગમાં પાથર્યાં. 
 ૩૭ ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,  ૩૮ 'પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!' 
 ૩૯ લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.'  ૪૦ ઈસુએ ઉત્તર આપ્યો કે, 'હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.' 
યરુશાલેમ માટે ઈસુનું રુદન 
 ૪૧ ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે,  ૪૨ 'હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે. 
 ૪૩ કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી સામે મોરચો માંડશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે.  ૪૪ તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.' 
ભક્તિસ્થાનનું શુદ્ધિકરણ 
 ૪૫ ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.'  ૪૬ તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, 'મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.' 
 ૪૭ ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા;  ૪૮ શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.