૩૨
 ૧ હવે રુબેનના તથા ગાદના વંશજો પાસે મોટી સંખ્યામાં જાનવરો હતાં. જયારે તેઓએ જોયું કે યાઝેરનો તથા ગિલ્યાદનો દેશ જાનવરો માટે અનુકૂળ જગ્યા છે.  ૨ તેથી રુબેન તથા ગાદના વંશજોએ મૂસા, એલાઝાર યાજક તથા સમાજના આગેવાનો પાસે આવીને કહ્યું કે,  ૩ “અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો તથા બેઓન, 
 ૪ એટલે ઇઝરાયલી લોકોની આગળ જે દેશ પર યહોવાહે હુમલો કર્યો તે દેશ જાનવરોના માટે ખૂબ અનુકૂળ છે. તારા દાસો પાસે પુષ્કળ પશુસંપત્તિ છે.”  ૫ તેઓએ કહ્યું, “જો અમે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા હોય, તો અમને એટલે તારા દાસોને આ દેશ વતન તરીકે આપ. યર્દન પાર અમને લઈ ન જા.” 
 ૬ મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો?  ૭ ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો? 
 ૮ જ્યારે મેં તમારા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યુ ,  ૯ જ્યારે તેઓએ એશ્કોલ ખીણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનાં હૃદય નિરાશ કરી નાખ્યાં કે જેથી તેઓ જે દેશ યહોવાહે તેઓને આપ્યો છે તેમાં પ્રવેશ કરે નહિ. 
 ૧૦ આથી તે દિવસે યહોવાહ કોપાયમાન થયા. તેમણે સમ ખાઈને કહ્યું કે,  ૧૧ 'વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી બહાર આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબ આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ. કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી.  ૧૨ કનિઝી યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ. ફક્ત કાલેબ તથા યહોશુઆ પૂરા મનથી મારી પાછળ ચાલ્યા હતા.' 
 ૧૩ તેથી ઇઝરાયલ ઉપર યહોવાહ કોપાયમાન થયા. તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી, જે પેઢીએ યહોવાહની દ્રષ્ટિમાં ખોટું કર્યું હતું તે બધાનો નાશ થાય ત્યાં સુધી તેઓને અરણ્યમાં ચારે બાજુ ભટકાવ્યા.  ૧૪ જુઓ, તમે પાપી લોકો જેવા, તમારા પિતાઓની જગ્યાએ ઊભા થઈને, ઇઝરાયલ પ્રત્યે યહોવાહનો ગુસ્સો હજી પણ વધુ સળગાવ્યો છે.  ૧૫ જો તમે તેની પાછળથી ફરી જશો, તો તેઓ ફરીથી ઇઝરાયલને અરણ્યમાં ભટકતા મૂકી દેશે અને તમારાથી આ બધા લોકોનો નાશ થશે.” 
 ૧૬ તેથી તેઓએ મૂસાની પાસે આવીને કહ્યું, “અહીં અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા અને અમારા કુટુંબો માટે નગરો બાંધવા દે.  ૧૭ ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇઝરાયલી લોકોની આગળ રહી તેઓને તેઓની જગ્યાએ પહોંચાડતા સુધી લડીશું. પણ અમારા કુટુંબો આ દેશના રહેવાસીઓને લીધે કિલ્લેબંધીવાળા નગરોમાં રહેશે. 
 ૧૮ ઇઝરાયલી લોકોમાંનો દરેક પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાના ઘરે પાછા ફરીશું નહિ.  ૧૯ અમે યર્દન નદીને પેલે પારના દેશમાં તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે, યર્દન નદીને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.” 
 ૨૦ મૂસાએ તેઓને કહ્યું, “જો તમે જે કહ્યું છે તે પ્રમાણે કરશો અને સજ્જ થઈને યહોવાહની આગળ તમે યુદ્ધ માટે જશો.  ૨૧ જ્યાં સુધી યહોવાહ પોતાના શત્રુઓને પોતાની આગળથી કાઢી મૂકે ત્યાં સુધી તમે શસ્ત્રસજ્જિત માણસો યહોવાહની આગળથી યર્દન પાર જશો.  ૨૨ તે દેશ યહોવાહના તાબામાં થાય. ત્યારપછી તમે પાછા આવજો. તમે યહોવાહ તથા ઇઝરાયલ પ્રત્યે નિર્દોષ ઠરશો. યહોવાહની આગળ આ દેશ તમારું વતન થશે. 
 ૨૩ પરંતુ જો તમે તે નહિ કર્યું હોય તો તમે યહોવાહની વિરુદ્ધનું પાપ કર્યું ગણાશે. નિશ્ચે તમારું પાપ તમને પકડી પાડશે.  ૨૪ તમારાં કુટુંબો માટે નગરો તથા તમારાં જાનવરો માટે વાડા બાંધો; પછી તમે જે કહ્યું છે તેમ કરો.”  ૨૫ ગાદ તથા રુબેનના વંશજોએ મૂસાને કહ્યું, “અમારા માલિકની આજ્ઞા પ્રમાણે અમે તારા દાસો કરીશું. 
 ૨૬ અમારાં બાળકો, અમારી સ્ત્રીઓ, અમારાં ઘેટાબકરાં સહિત અમારાં તમામ જાનવરો સહિત અહીં ગિલ્યાદના નગરોમાં રહીશું.  ૨૭ પણ યુદ્ધને માટે સજ્જ થયેલો તારા બધા દાસો મારા માલિકના કહેવા પ્રમાણે યર્દન પાર યહોવાહની સમક્ષ લડાઈ કરવાને જઈશું.” 
 ૨૮ તેથી મૂસાએ એલાઝાર યાજક, યહોશુઆ તથા ઇઝરાયલના કુળના કુટુંબોના આગેવાનોને સૂચના આપીને કહ્યું,  ૨૯ “જો ગાદના તથા રુબેનના વંશજો યુદ્ધને સારુ હથિયાર સજીને દરેક માણસ યહોવાહની આગળ તમારી સાથે લડાઈ કરવાને યર્દનને પેલે પાર જાય, જો તે દેશ તમારા તાબામાં આવી જાય તો તમે તેઓને ગિલ્યાદનો દેશ વતન તરીકે આપજો.  ૩૦ પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને તમારી સાથે યર્દનને પાર ન જાય તો તેઓને કનાન દેશમાં તમારી મધ્યે વતન મળશે.” 
 ૩૧ ગાદના તથા રુબેનના વંશજોએ જવાબ આપીને કહ્યું, “જેમ યહોવાહે તારા દાસોને કહ્યું છે તે પ્રમાણે અમે કરીશું.  ૩૨ અમે શસ્ત્રસજ્જ થઈને યહોવાહની આગળ યર્દન પાર કરીને કનાનના દેશમાં જઈશું, પણ યર્દન નદીના પૂર્વ કાંઠે અમારા વારસાની જમીન રહેશે.” 
 ૩૩ આથી મૂસાએ ગાદના તથા રુબેનના વંશજોને તથા યૂસફના દીકરા મનાશ્શાના અર્ધકુળને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય આપ્યું. તેણે તેઓને તે દેશ, તેની સરહદો સાથે તેના બધા નગરો તથા તે દેશની આજુબાજુનાં બધાં નગરો આપ્યાં. 
 ૩૪ ગાદના વંશજોએ દીબોન, અટારાથ, અરોએર,  ૩૫ આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બહાહ,  ૩૬ બેથ-નિમ્રાહ તથા બેન-હારાન એ કિલ્લાવાળા નગરો બાંધ્યા તથા ઘેટાંને માટે વાડા બાંધ્યાં.  ૩૭ રુબેનના વંશજોએ હેશ્બોન,  ૩૮ એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલમેઓન (પછી તેઓના નામ બદલીને) તથા સિબ્માહ બાંધ્યાં. જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં.  ૩૯ મનાશ્શાના દીકરા માખીરના વંશજોએ ગિલ્યાદ જઈને તેને જીતી લીધું અને તેમાં રહેતા અમોરીઓને કાઢી મૂક્યા. 
 ૪૦ મૂસાએ મનાશ્શાના દીકરા માખીરને ગિલ્યાદ આપ્યું અને તેના લોકો ત્યાં રહ્યા.  ૪૧ મનાશ્શાના દીકરા યાઈરે ત્યાં જઈને તેનાં નગરો કબજે કરી લીધાં અને તેઓને હાવ્વોથ-યાઈર એવું નામ આપ્યું.  ૪૨ નોબાહે કનાથ જઈને તેનાં ગામો કબજે કરી લીધાં. અને તેના પોતાના નામ પરથી તેનું નામ નોબાહ પાડ્યું.