૧૩
 ૧ તે દિવસે દાઉદના ઘર પર તથા યરુશાલેમના રેહવાસીઓ પર તેઓનાં પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે.  ૨ સૈન્યોના યહોવાહ કહે છે કે “તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ. 
 ૩ જો કોઈ માણસ ભવિષ્યવાણી કરવાનું ચાલુ રાખશે, તો તેને જન્મ આપનાર તેના માતા પિતા તેને કહેશે કે, 'તું જીવતો રહેવાનો નથી, કેમ કે, તું યહોવાહના નામથી જૂઠું બોલે છે.' તેને જન્મ આપનાર તેનાં માતાપિતા જ્યારે તે ભવિષ્યવાણી કરતો હશે ત્યારે તેને વીંધી નાખશે. 
 ૪ તે દિવસે એવું થશે કે દરેક પ્રબોધક ભવિષ્યવાણી કહેતી વખતે પોતાના સંદર્શનને લીધે શરમાશે, તેઓ રૂઆંવાળા વસ્ત્ર પહેરીને લોકોને ઠગશે નહિ.  ૫ કેમ કે તે કહેશે, 'હું પ્રબોધક નથી. હું જમીનમાં કામ કરનાર માણસ છું, કેમ કે જ્યારે હું જુવાન હતો ત્યારથી હું જમીનમાં કામ કરતો આવ્યો છું.'  ૬ પણ જો કોઈ તેને કહેશે કે, 'તારા હાથો પર આ ઘા શાના છે?' તો તે જવાબ આપશે કે, 'તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે.'” 
 ૭ સૈન્યોના યહોવાહ કહે છે- 
“હે તલવાર મારા પાળક વિરુદ્ધ તથા, 
જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. 
પાળકને માર, 
એટલે ઘેટાં વિખેરાઈ જશે. 
કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ. 
 ૮ યહોવાહ કહે છે કે ત્યારે એવું થશે કે આખા દેશમાંના” 
બે ભાગ નષ્ટ પામીને નાબૂદ થશે; 
પણ ત્રીજો ભાગ બાકી રહેશે. 
 ૯ ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીશ, 
અને જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે તેમ હું તેને શુદ્ધ કરીશ, 
અને જેમ સોનાને પરખવામાં આવે છે તેમ તેની પરખ કરીશ. તેઓ મારું નામ પોકારશે, 
હું તેઓને જણાવીશ કે, 'આ મારા લોકો છે.' 
તેઓમાંનો દરેક કહેશે કે, 'યહોવાહ અમારા ઈશ્વર છે.'”