4
1 દેવ તથા ઈસુ ખ્રિસ્ત સમક્ષ હું તને આદેશ આપું છું કે મરણ પામેલા તેમજ જીવતા લોકોનો એક માત્ર એવો ખ્રિસ્ત ઈસુ ન્યાય કરશે. ઈસુનું રાજ્ય છે, અને તે ફરીથી આવી રહ્યો છે. તેથી હું તને આ આદેશ આપું છું:
2 લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.
3 એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે.
4 લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે.
5 પરંતુ હર ઘડીએ તું સર્વ બાબતોમાં સાવધ રહેજે. જ્યારે મુસીબતો આવે ત્યારે તેઓને તું સ્વીકારી લેજે. સુવાર્તા પ્રચારનું કામ કરતો રહેજે. દેવના સેવકની બધી જ ફરજો તું અદા કરી બતાવજે.
6 કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે.
7 હું સારી લડાઇ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. મેં વિશ્વાસ રાખ્યો છે.
8 હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.
અંગત વાતો
9 જેમ બને એમ જલ્દી મારી પાસે આવવાનો તું પ્રયત્ન કરજે.
10 દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો. તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસ્સલોનિકા જતો રહ્યો છે અને ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે. અને તિતસ દલ્મતિયા ગયો છે.
11 હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે એવો છે.
12 મેં તુખિકસને એફેસસમાં મોકલ્યો છે.
13 હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.
14 આલેકસાંદર કંસારાએ મારું ઘણું નુકશાન કર્યુ છે. આલેકસાંદરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે.
15 તું તે માણસથી ચેતતો રહેજે જેથી તે તને પણ આઘાત ન આપે. તેણે આપણા ઉપદેશની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.
16 પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે.
17 પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો.
18 જ્યારે કોઇ પણ વ્યક્તિ મને ઇજા કરવાનો પ્રયત્ન કરશે ત્યારે પ્રભુ મારો બચાવ કરશે. પ્રભુ મને તેના સ્વર્ગીય રાજ્યમાં સુરક્ષિત રીતે લઈ જશે. પ્રભુનો મહિમા સર્વકાળ હો.
અંતિમ શુભેચ્છા
19 પ્રિસ્કી અને અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબને મારા તરફથી ક્ષેમકુશળ કહેજે.
20 એરાસ્તસ કરિંથમાં રહ્યો અને મેં ત્રોફિમસને બિમાર હતો તેથી મિલેતસમાં રાખ્યો છે.
21 શિયાળા પહેલાં તું મારી પાસે આવી પહોંચે એવો પ્રયત્ન કરજે.
યુબૂલસ તને ક્ષેમકુશળ કહે છે. વળી પુદેન્સ, લિનસ, કલોદિયા, અને ખ્રિસ્તમાં સર્વ
22 ભાઈઓ તને ક્ષેમકુશળ કહે છે. પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ.