અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી
35
1 ફરીથી આ પ્રમાણે મને યહોવાની વાણી સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, સેઇરના પર્વતીય પ્રદેશ તરફ તારું મુખ રાખ અને લોકોની વિરુદ્ધ પ્રબોધ કરીને તેમને ચેતવણી આપ કે,
3 ‘આ યહોવા મારા માલિકના વચન છે:
“‘હે સેઇરના પર્વતીય પ્રદેશ હું તારી સામે પડ્યો છું,
હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને સંપૂર્ણ તારાજ અને વેરાન કરી દઇશ.
4 તારા નગરોને ખંડિયેર બનાવી દઇશ
અને તું તદૃન વેરાન થઇ જઇશ;
ત્યારે તને જાણ થશે કે હું યહોવા છું.
5 “‘ઇસ્રાએલ સાથે તમે સતત દુશ્મનાવટ રાખી છે. અને વિનાશના સમયે, તેમની છેલ્લી સજાને સમયે તમે ઇસ્ત્રાએલીઓને તરવારથી હણવા માટે સુપ્રત કરી દીધાં.’”
6 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું ખાતરીપૂર્વક કહું છું કે તારામાં રકતપાત થશે અને તું બચશે નહિ, તું હત્યાકાંડમાં બહુ આનંદ માણે છે તેથી લોહી તારી પર આવશે અને તને હંફાવી દેશે, હવે તારો વારો આવ્યો છે.
7 હું સેઇરના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને લોકોને હું ત્યાથી પસાર થતાં પણ અટકાવીશ.
8 હું તારા ડુંગરો, ખીણો અને નદીનાળાં યુદ્ધમાં માર્યા ગયેલાઓના શબોથી ભરી દઇશ.
9 હું તને સદાને માટે વેરાન બનાવી દઇશ અને તારા નગરોમાં ફરી વસ્તી થશે નહિ, બાંધકામ થશે નહિ ત્યારે તને જાણ થશે કે હું યહોવા છું.”
10 તમે કહ્યું છે, “ઇસ્રાએલ અને યહૂદા બંને મારા છે, અમે તેનો કબજો મેળવીશું.”
પણ હું યહોવા ત્યાં તેઓની સાથે છું.
11 સર્વસત્તાધિશ યહોવા મારા માલિક કહે છે કે, “હું ખાતરીપૂર્વક કહું છું કે, તમે તમારા ક્રોધાવેશમાં જે કર્યું છે તેનો હું બદલો લઇશ. તમે ઇર્ષા અને અદેખાઇમાં જે કર્યું છે તેના માટે હું તમને સજા કરીશ અને હું તમને જે કઇં કરીશ તે દ્વારા ઇસ્રાએલમાં મારું નામ મોટું મનાવીશ.
12 “અને ત્યારે તમને જાણ થશે કે મેં તમારા અપમાનજનક શબ્દો સાંભળ્યાં હતાં કે, ‘ઇસ્રાએલના પર્વતો વેરાન છે અને તેમના પર વિજય મેળવવાની આ આપણા માટે તક છે.’
13 તમે બડાશ હાંકી છે કે તમે મારા કરતા મહાન છો, તમે મારી વિરુદ્ધ કઠોર શબ્દો બોલ્યા છો પરંતુ મેં તમને સાંભળ્યાં છે.”
14 યહોવા મારા માલિકના આ વચન છે: “જ્યારે ઇસ્ત્રાએલનો વિનાશ થયો ત્યારે તું ખૂબ ખુશ હતો તેને કારણે હું તારી સાથે પણ એવું જ કરીશ.
15 જેમ તેં ઇસ્રાએલને ઉજ્જડ થતું જોઇને આનંદ માણ્યો હતો, તેમ હવે હું તને પણ ઉજ્જડ બનાવીશ! સેઇરના પર્વતીય પ્રદેશ અને અદોમનો સમગ્ર દેશ વેરાન થઇ જશે. અને હું સર્વ લોકોનો નાશ કરીશ! ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”