શત્રુઓ તરફથી મંદિરનો વિરોધ
4
1 યહૂદા અને બિન્યામીનના દુશ્મનોને ખબર પડી કે દેશવટેથી પાછા આવેલા લોકો ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર બાંધે છે.
2 એટલે તેઓએ ઝરૂબ્બાબેલ અને કુટુંબના વડીલો પાસે આવીને કહ્યું, “અમે પણ તમારી સાથે મંદિર બાંધવાના કામમાં જોડાવા માગીએ છીએ, કારણ, અમે પણ તમારી જેમ તમારા દેવના ઉપાસક છીએ અને અમને અહીં વસાવનાર આશ્શૂરના રાજા એસાર-હાદોનના વખતથી એને યજ્ઞો અર્પણ કરતા આવ્યા છીએ.”
3 ઝરૂબાબ્બેલ, યેશુઆ અને ઇસ્રાએલી કુટુંબના બીજા વડવાઓએ કહ્યું, “અમારા દેવનું મંદિર બાંધવામાં તમારે અમારી સાથે જોડાવું નહિ. ઇરાનના રાજા કોરેશે અમને ફરમાવ્યા પ્રમાણે અમે એકલા જ યહોવાનું મંદિર બાંધીશું.”
4 ત્યારબાદ દેશના લોકોએ યહૂદિયાઓને ડરાવીને ના હિંમત બનાવી તેમને આગળનું બાંધકામ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો.
5 તેઓએ તેમના વિરૂદ્ધ સલાહકારો ભાડેથી રાખ્યા, આ માણસોએ તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો, કોરેશ રાજાના સમગ્ર રાજ્યકાળ દરમ્યાન અને દાર્યાવેશ રાજા ગાદી પર આવ્યો ત્યાં સુધી આમ ચાલ્યું.
6 ત્યારબાદ રાજા અહાશ્વેરોશના અમલની શરૂઆતમાં તે લોકોએ યહૂદા અને યરૂશાલેમના વતનીઓ વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી.
યરૂશાલેમના બાંધકામ વિરૂદ્ધ શત્રુઓ
7 વળી ઇરાનના રાજા આર્તાહશાસ્તાના અમલ દરમ્યાન બિશ્લામે, મિથદાથ, તાબએલે અને તેમના બીજા સાથીઓએ રાજાને પત્ર લખ્યો. એ પત્ર અરામી ભાષામાં લખેલો હતો. તેનું ભાષાંતર કરીને સંભળાવવાનું હતું.
8 આમાં મુખ્યત્વે પ્રશાશક રહૂમે અને મંત્રી શિમ્શાયે, આર્તાહશાસ્તા રાજા પર યરૂશાલેમ વિરૂદ્ધ પત્ર મોકવ્યો.
9 આ પત્રમાં સામેલ થનારાઓની યાદી: શાસન કર્તા રહૂમે અને મંત્રી શિમ્શાય અને તેમના સાથીદારો; ન્યાયાધીશો અને અધિકારીઓ તેઓ ત્રિપોલીસના, ઇરાનના, ઇરેખના અને બાબિલના લોકો, સુસાના એલામીઓ,
10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મહાન અને સજ્જન રાજા અશૂરબનિપાલ સમરૂનનાં ગામોમાં અને ફ્રાંત નદીની પશ્ચિમના બીજા પ્રદેશમાં લાવ્યો હતો તેમને ત્યાં વસાવ્યા.
11 પત્ર નીચે મુજબ છે:
રાજા આર્તાહશાસ્તા પ્રત્યે લિ. ફ્રાંતની પશ્ચિમના પ્રાંતના તેમના સેવકોના પ્રણામ.
12 અમે તમારું ધ્યાન ખેચીએ છીએ કે, બાબિલથી યરૂશાલેમ મોકલવામાં આવેલા યહૂદિયાઓ બળવાખોર અને દુષ્ટ નગરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે. તેઓ નગરના કિલ્લાની દીવાલ બાંધી રહ્યાં છે અને પાયાનું સમારકામ કરી રહ્યાં છે.
13 એટલે હવે અમારે રાજાને જણાવવું જોઇએ કે, જો એ નગર બંધાશે એના કિલ્લાની દીવાલો પૂરી થશે, તો તેઓ ખંડણી, કરવેરા કે જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની ઉપજમાં ઘટાડો થશે.
14 અમે તમારી સેવામાં છીએ એટલે તમને આ રીતે લજ્જિત થતા જોઇ રહેવું અમને યોગ્ય લાગતું નથી તેથી અમે આપ નામદારને આ હકીકત જણાવીએ છીએ.
15 અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારા પૂર્વજોની અધિકૃત નોંધોની તપાસ કરો તો, તમને ખબર પડશે કે આ નગર કેવું બંડખોર હતું, કેટલાક રાજાઓ અને પ્રજાઓ વિરૂદ્ધ વિદ્રોહ કરવા માટેના એક લાંબા ઇતિહાસના કારણે તેને પાયમાલ કરવામાં આવ્યું હતું.
16 તેથી અમે તો આપ નામદારને નિવેદન કરીએ છીએ કે, “જો એ નગરો બંધાઇ જશે ને એના કોટ પૂરા થશે, તો નદી પાર આપનુ શાસન પશ્ચિમના પ્રદેશમાં રહેશે નહિ.”
17 એટલે રાજાએ આ પ્રમાણે જવાબ મોકલ્યો:
પ્રશાસક રહૂમ, સચીવ શિમ્શાય તથા સમરૂન અને ફ્રાંતની પશ્ચિમના પ્રદેશમાં વસતા તેમના બીજા સાથીઓ સદગૃહસ્થો પ્રત્યે.
શુભકામના.
18 તમે મોકલેલ પત્ર મને મળ્યો અને તેને અનુવાદ કરાવીને મને વાંચી સંભળાવાયો છે.
19 મેં કાર્યાલયોમાં તપાસ કરાવી છે અને શોધી કાઢયું છે કે, યરૂશાલેમના લોકોએ ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે બળવો કર્યો છે. બળવો અને દગો ખરેખર તેઓને માટે સામાન્ય બાબત છે.
20 યરૂશાલેમમાં પ્રતાપી રાજાઓ પણ છે અને તેમણે ફ્રાત પારના સમગ્ર પ્રદેશ પર સત્તા ભોગવી છે અને કરવેરા વસૂલ કર્યા છે.
21 માટે હવે તમારે એવો હુકમ કરવો જોઇએ કે, “એ લોકોની પ્રવૃત્તિ બંધ થાય, અને બીજી આજ્ઞા આપના તરફથી થતાં સુધી એ નગર ન બંધાય.
22 સાવધાન રહો, હવે આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુકશાન થશે.”
23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ અને શિમ્શાય અને તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓ ઝડપથી યરૂશાલેમ ધસી ગયા અને જોરજુલમથી યહૂદીયાઓને કામ કરતાં રોકી દીધા.
મંદિરનું બાંધકામ સ્થગિત
24 અને એ જ રીતે યરૂશાલેમમાંના યહોવાના મંદિરનું કામ થંભી ગયું હતું અને ઇરાનના રાજા દાર્યાવેશના બીજા વર્ષ સુધી તે સ્થગિત જ રહ્યું હતું.