યરૂશાલેમ ઉપર ઝઝૂમતા સંકટના વાદળ
29
“યહોવાની યજ્ઞવેદી સમી હે યરૂશાલેમનગરી, તને અફસોસ! જ્યાં દાઉદે પડાવ નાખ્યો હતો તે નગરીને અફસોસ! વર્ષ પર વર્ષ જવા દો, ઉત્સવોનું ચક્ર ફરવા દો, ત્યારબાદ દેવ તારા પર આફત ઉતારશે, તારે ત્યાં શોક અને આક્રંદ વ્યાપી જશે. તું યજ્ઞવેદી જેવી લોહી નીગળતી થઇ જશે.
“તારી આસપાસ યહોવા છાવણીઓ નાખશે, બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે સૈન્યો ઊભા કરશે, તું ભોંયભેગી થઇ જશે અને ભૂમિ પર પડી પડી તું બોલશે. તું ધૂળમાં રગદોળાશે; ત્યાં જમીનમાંથી તારો અવાજ આવશે. તને દફનાવી દીધી છે તે ભૂમિમાંથી પ્રેતના જેવો તારો ધીમો અવાજ આવશે.”
પણ ત્યાં તો તારા ઘાતકી શત્રુઓનું સૈન્ય ધૂળની જેમ અને ફોતરાંની જેમ ઊડી જશે. હું સૈન્યોનો દેવ યહોવા ગર્જના, મોટા આવાજ, ધરતીકંપ અને વંટોળિયો અને અગ્નિની જવાળાઓ મારફતે તેઓ પર ઊતરી આવીશે. અને તું દેવની યજ્ઞવેદી સમી એની સામે લડતી અને તને ભીસમાં લેતી બધી પ્રજાઓનું સૈન્ય એના બધા સરંજામ સાથે સ્વપ્નની જેમ, રાત્રિએ દેખાતા આભાસની જેમ અલોપ થઇ જશે. જેમ કોઇ ભૂખ્યો માણસ સ્વપ્નમાં આરોગે અને જાગે ત્યારે ભૂખ્યો ને ભૂખ્યો હોય છે, અથવા કોઇ તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીએ, પણ જાગે ત્યારે તરસ્યો ને તરસ્યો હોય છે; તેમ તારા શત્રુઓ તારા પર ભવ્ય વિજય મેળવવાનું સ્વપ્ન જોશે, પણ તેથી તેઓનું કાઇં વળશે નહિ.
શું તમે વિસ્મિત થઇ અચંબો પામો છો?
શું તમે વિશ્વાસ કરી શકતા નથી?
તો પછી આગળ વધો અને આંધળા થઇ જાઓ!
તમે છાકટા થયા છો, પણ દ્રાક્ષારસથી નહિ!
તમે લથડિયાં ખાઓ છો પણ દ્રાક્ષારસને લીધે નહિ!
10 કારણ કે યહોવાએ તમારા પર પુષ્કળ નિદ્રાનો આત્મા રેડી દીધો છે.
તેમણે તમારા પ્રબોધકોની આંખો બંધ કરી છે.
અને દ્રષ્ટાઓનાં મગજ ઢાંકી દીધાં છે.
11 બધાંય દિવ્યદર્શન તમારા માટે મહોર મારી બંધ કરેલા ગ્રંથના શબ્દો જેવા થઇ ગયા છે; કોઇ વાંચી શકે એવા વ્યકિતને આપીને કોઇ કહે કે, આ વાંચ, તો તે કહે છે કે, “હું નથી વાંચી શકતો, કારણ, એને મહોર મારી બંધ કરેલો છે.” 12 અને વાંચી ન શકે એવા માણસને આપીને કહે છે કે, આ વાંચ; તો તે કહે છે કે, “મને વાંચતા નથી આવડતું.”
13 યહોવા મારા માલિક કહે છે, “આ લોકો મારી પાસે આવવાની માત્ર વાતો જ કરે છે, અને કેવળ શબ્દોથી મને માન આપે છે, પરંતુ તેમનું હૃદય તો મારાથી દૂર જ છે. તેઓની ઉપાસના તો તેઓએ કંઠસ્થ કરેલા માનવીય હુકમો જ છે. 14 તેથી એ લોકોને મારે ફરીથી પરચો બતાવવો પડશે, એટલે કે એમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને એમના બુદ્ધિશાળી વ્યકિતઓની બુદ્ધિનો લોપ થશે.”
15 જેઓ યહોવાથી પોતાની યોજનાઓ સંતાડવાનો પ્રયત્ન કરે છે. જેઓ અંધકારમાં કામ કરે છે અને કહે છે કે, “અમને કોણ જોનાર છે! અમને કોણ ઓળખે છે?”
16 તમે કેટલા મૂર્ખ છો! શું માટી અને કુંભાર એક જ સ્તરના ગણાય? ઘડો કુંભારને એમ ન કહી શકે કે, “તે મને નથી બનાવ્યો. શું તું કશું સમજતો નથી.”
એક સારો સમય આવી રહ્યો છે
17 થોડા જ વખતમાં લબાનોનના ગાઢ જંગલો ખેતરો જેવા ગણાશે અને ખેતરો ફકત ઝાડીઓ જેવા જ ગણાશે. 18 તે દિવસે બહેરો ગ્રંથ વંચાતો સાંભળશે અને અભેદ્ય અંધકાર દૂર થતાં આંધળાની આંખો જોશે. 19 દીનજનો અને ગરીબો ફરી ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા તરફથી મળતાં સુખ અને આનંદ ભોગવશે.
20-21 કારણ, જુલમીઓનો અંત આવ્યો હશે અને હાંસી ઉડાવનાર હતો ન હતો થઇ ગયો હશે; અને બધા દુષ્કમોર્ કરવાને ટાંપી રહેનારા, જેઓ બીજાને ગુનેગાર ઠરાવવા માટે ખોટી સાક્ષી આપનારા, ન્યાયાધીશોને લાંચ આપવાનો પ્રયત્ન કરનારા, તથા પાયા વગરની દલીલથી નિદોર્ષને ન્યાય મળતો રોકનારા નાશ પામ્યા હશે.
22 તે માટે જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવા યાકૂબના વંશજો વિષે કહે છે કે, “તેમણે હવે કદી શરમાવું નહિ પડે, તેમનો ચહેરો કદી ફિક્કો નહિ પડી જાય. 23 કારણ કે મેં જે તેમના માટે કર્યુ છે તેને, તે તથા તેના બાળકો જોશે ત્યારે તેઓ મારા નામનું સન્માન કરશે. તેઓ યાકૂબના પવિત્ર દેવની સ્તુતિ કરશે અને ઇસ્રાએલના દેવનો આદર કરશે. 24 જેઓ આત્મામાં ભૂલા પડ્યા છે તેઓ જ્ઞાન પામશે અને જેઓ બડબડાટ કરે છે તેઓ પણ શિખામણ માથે ચડાવશે.”