યરૂશાલેમને દેવ મુકિત અપાવશે
37
જ્યારે હિઝિક્યા રાજાએ તે સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, શોક-કંથા ઓઢી લીધી અને પોતે યહોવાના મંદિરમાં ચાલ્યો ગયો.
તે દરમ્યાન તેણે પોતના મહેલના મુખ્ય કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તેમ જ યાજકોના આગેવાનોને શોકકંથા ઓઢાડીને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
તેમણે જઇને કહ્યું, “હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: આજે અમારે માટે દુ:ખનો દિવસ છે; નિરાશા અને આપત્તિનો દિવસ છે, બાળક અવતરવાની શકિત વિનાની સ્ત્રી જેવી અમારી દશા છે. આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, એ શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”
તેથી રાજા હિઝિક્યાના મંત્રીઓ યશાયા પાસે આવ્યા. પછી તેણે તેમને પ્રત્યુત્તર આપ્યો: “તમારા ધણીને જઇને કહો કે, આ યહોવાના વચન છે: ‘આશ્શૂરના રાજાના નોકરોને મોઢે મારી નિંદાના જે વચનો તેં સાંભળ્યા છે તેનાથી ગભરાઇશ નહિ. હું એને એવી પ્રેરણા કરવાનો છું કે એક અફવા સાંભળી તે પોતાને દેશ પાછો ચાલ્યો જશે, અને ત્યાં હું એનો તરવારથી વધ કરાવીશ.’”
આશ્શૂરના સૈન્યનું યરૂશાલેમ છોડી જવું
આશ્શૂરનો સંદેશવાહક પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા, લાખીશ છોડી જઇ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઇને મળ્યો. ત્યાં આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે “કૂશનો રાજા તિર્હાકાહ તેમની સામે લડવા આવે છે.”
એટલે તેણે સંદેશ વાહકોને યહૂદીયાના રાજા હિઝિક્યા પાસે મોકલી કહાવ્યું કે, 10 તું જેના પર આધાર રાખીને બેઠો છે તે તારો દેવ તને એમ કહે છે કે:
“‘યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.’ તો તેથી ભોળવાઇ જતો નહિ. 11 આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા છે તેના પરિણામો શું આવ્યા છે તે તું યાદ રાખ. કારણ કે તેઓનો વિરોધ કરનાર દરેકનો તેઓએ પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો છે. શું તું માને છે કે તું છટકી જઇશ, જ્યારે તેઓ તેમ ન કરી શક્યા? 12 ગોઝાન, હારાનનાં નગરો અથવા રેસેફ અથવા તલાસ્સારમાં રહેતા એદેનના લોકોને શું તેઓના દેવો બચાવી શક્યા? ના, 13 અને હમાથના રાજા, આર્પાદના રાજા અને સફાર્વાઇમ, હેના તથા ઇવ્વાહ નગરના રાજાઓનું શું થયું તે ભૂલી જશો નહિ.”
હિઝિક્યાની દેવને પ્રાર્થના
14 હિઝિક્યાએ કાસદો પાસેથી કાગળ લઇને વાંચ્યો કે તરત જ તેણે મંદિરમાં જઇને યહોવા સમક્ષ તેને ખુલ્લો મુક્યો. 15 પછી હિઝિક્યાએ યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી: 16 “હે સૈન્યોના દેવ યહોવા, કરૂબો પર બિરાજમાન, ઇસ્રાએલના દેવ, તમે જ પૃથ્વીનાં બધા રાજ્યોના એક માત્ર દેવ છો. તમે જ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યુ છે. 17 દેવ યહોવા, હવે અમને કાન દઇને સાંભળો. દેવ યહોવા, આંખ ઉઘાડીને જુઓ, સાન્હેરીબે તમારું જીવતા જાગતા દેવનું અપમાન કરવા જે શબ્દો કહેવડાવ્યા છે તે સાંભળો. 18 એ વાત સાચી છે, દેવ યહોવા, કે આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોની પ્રજાઓનું નિકંદન કાઢી નાખ્યું છે. 19 તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધાં છે; પણ એ તો દેવો નહોતા, પરંતુ માણસના હાથ વડે બનાવેલી વસ્તુ, ફકત લાકડાં અને પથ્થર હતા, અને તેથી તેમણે તેમનો નાશ કર્યો હતો. 20 પણ હવે, હે અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી બચાવ, જેથી પૃથ્વીના સર્વ રાજ્યો જાણી શકે કે તમે જ એક માત્ર દેવ છો.”
દેવનો હિઝિક્યાને જવાબ
21 પછી આમોસના પુત્ર યથાયાએ હિઝિક્યા રાજાને આ સંદેશો મોકલાવ્યો: “ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબની વિરુદ્ધ કરેલી પ્રાર્થનાનો મારો પ્રત્યુત્તર આ મુજબ છે.’
22 “હે સાન્હેરીબ,
‘તને યરૂશાલેમ નગરી તુચ્છકારી કાઢે છે,
તારી હાંસી ઉડાવે છે,
અને તારી પાછળ ગર્વથી માથું ધુણાવે છે.
23 તેં કોને મહેણું માર્યું છે?
કોની નિંદા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે?
ને તિરસ્કારભરી ષ્ટિ કરી છે?
ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા તરફ!
24 તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે;
તે કહ્યું છે કે, “મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે,
હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું.
લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું,
મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને
તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે,
મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા
અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
25 મેં જીતેલી ભૂમિમાં કૂવા ખોદાવીને પરભોમનાં પાણી પીધાં છે,
અને મારા પગનાં તળિયાથી
મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.”
26 ‘પણ શું તને ખબર નથી કે,
મેં ઘણા સમય અગાઉ આ બધી યોજના બનાવી હતી?
અને અત્યારે મેં એને હકીકત બનાવી છે.
મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.
27 ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત,
અને હાંફળાફાંફળા બની ગયા હતા.
અને વગડાના છોડ જેવા,
કુમળા ઘાસ જેવા,
છાપરા ઉપર ઊગી નીકળેલા ને
લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
28 પરંતુ હું જાણું છું, તું ક્યારે ઉભો થાય છે,
ક્યારે તું બેસી જાય છે, ક્યારે તું બહાર જાય છે,
ક્યારે તું અંદર આવે છે, તથા તું જે કરે છે,
તે સર્વ હું જાણું છું અને મારી વિરુદ્ધ જે રીતે તું રોષે ભરાયો છે,
તે પણ હું જાણું છું.
29 કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે
અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે.
તેને લીધે હું તારા નાકમાં મારી કડી
તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માગેર્
તું આવ્યો છે તે જ માગેર્ તારા
પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.’”
હિઝિક્યાને યહોવાનો સંદેશ
30 પછી યશાયાએ હિઝિક્યાને કહ્યું, “તારા માટે આ એધાણી છે: આ વષેર્ તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, પછીના વષેર્ પહેલા વર્ષના પાકમાંથી ઉગાડેલા અનાજ ખાશો. પણ ત્રીજા વષેર્ તમે વાવશો અને લણશો, દ્રાક્ષનીવાડીઓ કરશો અને તેના ફળ ખાશો.
31 “યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો જેના મૂળ ઊંડા ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; 32 કારણ, યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે. સૈન્યોના દેવ યહોવાના ઉત્કટ પ્રેમને પ્રતાપે આ બધું સિદ્ધ થશે.”
33 એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ મુજબ છે:
“તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે,
ઢાલ લઇને એની સામે નહિ આવે,
તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,
34 એ જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જશે,
આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
35 મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે
હું આ શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”
36 તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1,85,000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા. 37 પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.
38 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.