યહૂદિયાના લોકોના પાપ
5
1 યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું.
2 લોકો પ્રતિજ્ઞા લે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે એમ કહે છે, પણ એ જૂઠું બોલે છે.”
3 હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો.
તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો.
તમે તેઓને શિક્ષા કરી
પણ તેઓ સુધર્યા નહિ.
તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના
પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી.
અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે.
તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.
4 પછી મેં કહ્યું,
“તેઓ જ ગરીબ લોકો છે, તેઓને કંઇ ભાન નથી.
હા, તેઓને યહોવાના માગોર્ ખબર નથી
અને તેમના દેવના કાયદાથી અજાણ છે.
5 હું વડીલો પાસે તેમની સાથે
વાત કરવા જઇશ,
કારણ કે તેઓ યહોવા તરફનો માર્ગ જાણે છે
અને જેઓ દેવના કાયદા જાણે છે,
પણ તે લોકોએ દેવની ઝૂંસરી ભાંગી નાખી છે
અને જોતરો તોડી નાખ્યાં છે.”
6 આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે.
વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે.
તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે;
નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે,
કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે.
અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે.
7 દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું?
તમારા બાળકોએ મને છોડી દીધો છે
અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે.
મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું,
પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં.
અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.
8 તેઓ સારો ખોરાક ખવડાવીને મસ્ત બનાવેલા ઘોડા જેવા છે;
દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ કુષ્ટિ કરે છે.
9 આ માટે મારે એમને સજા ન કરવી?”
શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?
10 “તેમની દ્રાક્ષાવાડીઓમાં પ્રવેશ કરો અને તેઓનો વિનાશ કરો,
પણ તેમનો સંપૂર્ણ વિનાશ ન કરો.
તેની લીલી ડાળીઓ કાપી નાખો, કારણ કે એ મારી નથી.
11 કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને
મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.”
આ યહોવાના વચન છે.
12 તેઓએ એમ કહીને અસત્ય ઉચ્ચાર્યુ છે,
“‘યહોવા અમને મુશ્કેલીમાં મૂકશે નહિ!
અમારા પર સંકટ આવી પડશે નહિ,
અમે દુકાળ કે યુદ્ધ જોઇશું નહિ!’
13 જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે.
તેઓને કોઇ સંદેશો મળ્યો નથી.
તેઓ જે આપત્તિ વિષે કહે છે
તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે
પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!”
14 એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે:
“તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને
અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ
અને બળતણના લાકડાની જેમ
આ લોકોને હું ભસ્મ કરીશ.”
15 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલના લોકો,
હું તમારી સામે દૂરથી
એક પ્રજાને લઇ આવું છું.
એ પ્રાચીન અને બળવાન પ્રજા છે,
અને તેની ભાષા તમે જાણતા નથી.
16 તેઓ બધા પ્રચંડ યોદ્ધાઓ છે,
તેમનાં ભાથામાં જીવલેણ બાણ ભર્યા છે.
17 તેઓ તમારી ફસલ અને તમારો ખોરાક ખાઇ જશે.
તેઓ તમારાં પુત્ર-પુત્રીને ભરખી જશે,
તેઓ તમારાં ઘેટાં-બકરાંને અને ઢોરઢાંખરને ખાઇ જશે;
તેઓ તમારી દ્રાક્ષાવાડીઓને
અને ફળઝાડોને ખાઇ જશે;
અને તમે જેના પર આધાર રાખો છો,
તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ તોડી પાડશે.”
18 તેમ છતાં એ દિવસોમાં પણ-આ હું યહોવા બોલું છું-
“હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું.
19 અને યમિર્યા જ્યારે તમારા લોકો પૂછે,
‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’
ત્યારે તમે કહેજો,
‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો
અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા.
હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.’”
20 યહોવા કહે છે, “યાકૂબના વંશજોને આની જાણ કરો,
યહૂદિયાના લોકોમાં આની ઘોષણા કરો:
21 ધ્યાન દઇને સાંભળો,
‘હે મૂરખ અને અક્કલ વગરના લોકો!
તમે છતી આંખે જોતા નથી,
છતે કાને સાંભળતા નથી;
તમને મારો ભય નથી?’”
22 આ હું યહોવા બોલું છું
“શું તમે મને જોઇને થથરી નહિ જાઓ?
મેં સાગરને રેતીની પાળ બાંધી છે;
એ પાળ કાયમી છે;
સાગર એને ઓળંગી શકે નહિ,
સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ.
એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે
પણ એને ઓળંગી નહિ શકે.
23 પરંતુ આ લોકો તો હઠીલા
અને બળવાખોરો છો.
તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.
24 પ્રતિવર્ષ હું તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપું છું
અને વાવણીનો સમય આપું છું,
છતાં તમે તમારી જાતને ક્યારેય કહેતા નથી.
ચાલો, આપણા યહોવા દેવને માન આપીએ.
25 તમારા પોતાના દુષ્કમોર્થી વરસાદ તમારાથી વિમુખ થઇ ગયો.
અને તમારાં પોતાના પાપે તમને કુદરતના આશીર્વાદથી વંચિત રાખ્યા છે.
26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે,
અને પારધીઓ જેમ ગુપ્ત રહીને
શિકાર કરવાનો લાગ શોધે છે,
તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.
27 જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે,
તેઓનાં ઘરો વિશ્વાસઘાતથી ભરેલાં છે.
પરિણામે તેઓ મહાન અને શ્રીમંત થઇ ગયા.
28 તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે.
તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી.
તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી,
તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી,
અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.
29 આ બધાં માટે મારે તેમને સજા ન કરવી?
એવી પ્રજાને મારે બદલો ન આપવો?”
આ હું યહોવા બોલું છું.
30 યહોવા કહે છે, “દેશમાં ભયંકર આઘાતજનક
વાતો બની રહી છે:
31 પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે,
યાજકો મનમાની સત્તા ચલાવે છે;
અને મારા લોકોને એ ગમે છે;
પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?