ઈસુએ પ્રેરિતોને ઉપદેશ માટે મોકલ્યા
(માર્ક 3:13-19; 6:7-13; લૂક 6:12-16; 9:1-6)
10
ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી. બાર પ્રેરિતોનાં નામ આ પ્રમાણે છે:
પ્રથમ સિમોન જે પિતર કહેવાય છે
તેનો ભાઈ આંન્દ્રિયા,
ઝબદીનો દીકરો યાકૂબ
તથા તેનો ભાઈ યોહાન.
ફિલિપ
અને બર્થોલ્મી;
થોમા
તથા કર ઉઘરાવનાર માથ્થી;
અલ્ફીનો દીકરો યાકૂબ
અને થદી;
સિમોન કનાની*
તથા યહૂદા ઈશ્કરિયોત, જે તેને દુશ્મનના હાથમાં સોપી દેનારો હતો.
આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે “જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ. પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે. જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો. તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ. 10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.
11 “જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો. 12 જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’ 13 જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે. 14 અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો. 15 હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે.
ઈસુ મુસીબતો વિષે ચેતવે છે
(માર્ક 13:9-13; લૂક 21:12-17)
16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ. 17 લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે. 18 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. 19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. 20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.
21 “ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે. 22 જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે. 23 જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો.
24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!
પ્રભુથી ડરો, લોકોથી નહિ
(લૂક 12:2-7)
26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.
28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.
લોકોને તમારા વિશ્વાસ વિષે કહો
(લૂક 12:8-9)
32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(લૂક 12:51-53; 14:26-27)
34 “એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું.
35-36 ‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ,
પુત્રીને તેની મા વિરૂદ્ધ,
અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું.
મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’ મીખાહ 7:6
37 “જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી. 38 જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી. 39 જે માણસ મારા કરતાં તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે. પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તેજ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે.
જે વ્યક્તિ આપણી વિરુંદ્ધ નથી તે આપણા પક્ષનો છે
(માર્ક 9:41)
40 “જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે. 41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે. 42 હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”

* 10:4: કનાની યહૂદિ રાજકીય જૂથનું નામ જેનો તે સભ્ય હતો.