ઈસુ ધાર્મિક નેતાઓની ટીકા કરે છે
(માર્ક 12:38-40; લૂક 11:37-52; 20:45-47)
23
ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
“તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
“પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.
13 “હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. 14 અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.
15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!
16 “ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે ‘જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.’ 17 અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે.
18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.’ 19 અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે? 20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. 21 જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે. 22 અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે.
23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ. 24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.
25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો. 26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.
27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.
29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!
33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.
35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.
યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ
(લૂક 13:34-35)
37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”

✡ 23:39: ઉલ્લેખઃ ગી. શા 118:26.