જ્ઞાનનાં વરદાન
2
1 મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે,
2 ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ;
3 અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે.
4 અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે.
5 તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.
6 કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે.
7 તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે.
8 તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.
9 ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે;
10 તારા હૃદયમાં શાણપણ પ્રવેશશે અને જ્ઞાન તારા આત્માને ખુશીથી ભરી દેશે.
11 વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે.
12 ખરાબ માગેર્થી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે;
13 જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માગેર્ ચાલે છે.
14 જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે.
15 જેઓના રસ્તા આડા છે, અને જેમના પગલા છેતરામણાં છે તેમનાથી તારું રક્ષણ કરશે.
16 વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે.
17 જે પોતાના પતિને જેની સાથે જુવાનીમાં તેણે લગ્ન કરેલા તેને છોડી દે છે અને દેવ સાથે કરેલો પોતાનો કરાર વિષે ભૂલી જાય છે;
18 તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે.
19 તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
20 તું સજ્જનોના માગેર્ ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે.
21 કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિદોર્ષ માણસો જ એમાં વસશે.
22 પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.