પ્રકટીકરણ
યોહાન આ પુસ્તક વિષે કહે છે
1
આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હવે ટૂંક સમયમાં શું બનવાનું છે, તે તેના સેવકોને દર્શાવવા દેવે ઈસુને તે અંગેની માહિતી આપી. ખ્રિસ્તે પોતાના સેવક યોહાનને આ વાતો બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો. યોહાને જે કઈ જોયું હતું તે વિષે જણાવ્યું. ઈસુ ખ્રિસ્તે યોહાન સમક્ષ જે પ્રગટ કયુ તે સત્ય છે. તે તો દેવ તરફ સંદેશ છે. જે વ્યક્તિ દેવ તરફથી મળેલ આ સંદેશના વચનો વાંચે છે, તેઓને ધન્ય છે. અને જે લોકો આ સંદેશ સાંભળે છે અને તેમાં લખેલું છે તે પ્રમાણે કરે છે તેઓને પણ ધન્ય છે. હવે વધુ સમય બાકી રહ્યો નથી.
યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે
આસિયા* પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:
જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી; અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે.
ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા; ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાને અર્થ યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ પર્યંત હોજો! આમીન.
જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યો છે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે.હા, આ બનશે જ! આમીન.
પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”
હું યોહાન છું, અને હું ખ્રિસ્તમાં તમારો ભાઈ છું. આપણે ઈસુમા સાથે છીએ, રાજ્યમાં, વિપત્તિમાં તથા ધૈયૅમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે હું પાત્મસ§ ટાપુ પર હતો કારણકે હું દેવના વચનમાં અને ઈસુના સત્યમાં વિશ્વાસ ધરાવતો હતો. 10 પ્રભુને દહાડે આત્માએ મને કાબુમાં રાખ્યો. મેં મારી પાછળ મોટી વાણી સાંભળી, તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. 11 તે વાણીએ કહ્યુ કે; “તેં જે બધું જોયુ છે તે પુસ્તકમાં લખ. અને તેને એફેસસમાં, સ્મુર્નામા, પર્ગામનમાં, થુવાતિરામાં, સાદિર્સમાં, ફિલાદેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે સાત મંડળીઓ છે તેઓને મોકલ.”
12 મારી સાથે કોણ વાત કરે છે તે જોવા માટે હું પાછો વળ્યો. જ્યારે હું પાછો કર્યો, ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ. 13 મેં દીવીઓની વચમાં “મનુષ્યપુત્ર જેવા” કોઈ એકને જોયો. તેણે એક લાંબો ઝભ્ભો પહેર્યો હતો, તેની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો. 14 તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા, બરફ જેવા શ્વેત હતા. તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી. 15 તેના પગ ભઠ્ઠીમાં શુધ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો અવાજ ઘુઘવતા ભરતીના પાણીના અણાજ જેવો હતો. 16 તેણે જમણા હાથમાં સાત તારાઓ પકડ્યા હતા. તેના મુખમાંથી બેધારી પાણીદાર તલવાર નીકળતી હતી જે સમયે સૂયૅ સૌથી વધારે તેજસ્વી હોય છે તેના જેવો પ્રકાશમાન દેખાતો હતો.
17 જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું. 18 હું એક જે જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ જુઓ: હું અનંતકાળ જીવતો છું! અને મૃત્યુ તથા હાદેસ** ની ચાવીઓ હું રાખું છું. 19 તેથી તું જે ઘટનાઓ જુએ છે તે લખ. હમણા જે કંઈ ઘટનાઓ બને છે તે અને હવે પછી જે જે થશે તે સર્વ લખ. 20 મારા જમણા હાથમાં તેં જે સાત તારા અને સાત દીવાઓ જોયા, તેનું રહસ્ય આ છે: એ સાત તારા તે સાત મંડળીઓના દૂતો છે, અને સાત દીવાઓ તો સાત મંડળીઓ છે.

* 1:4: આસિયા એશિયા માઈનોરનો એક પ્રાંત.
† 1:7: જેઓએ તેને વીધ્યો જૂઓ યોહા 19:34.
‡ 1:8: આલ્ફા તથા ઓમેગા ગ્રીક મૂળાક્ષરનો પહેલો અને છેલ્લો અક્ષર અર્થાત પ્રથમ તથા છેલ્લો.
§ 1:9: પાત્મસ એસિયા માઈનોરના તટ પાસે આવેલ એજીયન સાગરનો એક નાનો ટાપુ (જે અત્યારનું તુર્કી કહેવાય છે)
** 1:18: હાદેસ મૃત્યુ પામ્યા પછી જયાં લોકો જાયછે તે જગ્યા