29
લોકો તરફથી મંદિરના બાંધકામ માટે ભેટ-સોગાદો
ત્યારબાદ રાજા દાઉદે સમગ્ર સભાને ઉદૃેશીને કહ્યું, “દેવે મારા પુત્ર સુલેમાનને એકલાને જ પસંદ કર્યો છે, પણ તે હજી નાદાન છોકરો છે અને કામ મોટું છે, કારણકે, આ મંદિર માણસ માટે નથી પણ દેવ યહોવા માટે છે. મેં મારી તમામ શકિત અનુસાર મારા દેવના મંદિર માટે તૈયારી રાખી છે. સોનાની વસ્તુઓ માટે, સોનું, ચાંદીની વસ્તુઓ માટે ચાંદી, કાંસાની વસ્તુઓ માટે કાંસા, લોખંડની વસ્તુઓ માટે લોખંડ, લાકડાની વસ્તુઓ માટે લાકડું, બેસાડવા માટે ગોમેદ પથ્થરો, જડાવકામ માટે દરેક જાતનાં રત્નો અને પુષ્કળ પ્રમાણમાં આરસપહાણ તૈયાર રાખ્યો છે. તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારો ફાળો આપવા ઉપરાંત મારા ભંડારમાં જે કાઇં સોનું અને ચાંદી છે તે બધું હું મારા દેવના મંદિર માટે આપી દઉં છું. લગભગ એકસો દશ ટન ઊંચી જાતનું સોનું, અને લગભગ 260 ટન ચોખ્ખી ચાંદી મંદિરની ભીંતોને ઢાંકવા; અને કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને મઢવા આપી દઉં છું. હવે તમારામાંથી કોણ યહોવાને માટે છૂટે હાથે આપવા ઇચ્છે છે?”
ત્યારે કુટુંબોના વડાઓ, ઇસ્રાએલના કુલસમૂહોના આગેવાનો, હજાર હજારના અને સો સો ના નાયકો, અને રાજાની મિલકતના વહીવટદારોએ દેવના મંદિરનાં કાર્ય માટે રાજીખુશીથી 190 ટન સોનું, 5,000 સિક્કા 375 ટનથી વધારે ચાંદી, 675 ટનથી વધારે કાંસા અને આશરે 3,750 ટન લોખંડ આપવાની તૈયારી બતાવી. વળી, જેમની પાસે રત્નો હતા તેમણે રત્નો યહોવાના મંદિરના ભંડારને આપી દીધાં. એનો વહીવટ ગેશોર્નનો વંશજ યહીએલ કરતો હતો. આ લોકોએ યહોવાને માટે ઉદાર મનથી અને હોંશે હોંશે આપ્યું અને એ જોઇને સૌ કોઇને ખૂબ આનંદ થયો અને રાજા દાઉદ પણ પ્રસન્ન થયો
દાઉદની સુંદર પ્રાર્થના
10 સર્વ ઉપસ્થિત સભાજનો સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ અને પ્રાર્થના કરતાં કહ્યું,
 
“યહોવા અમારા પૂર્વજ ઇસ્રાએલના દેવ
તમારી સદા સર્વદા સ્તુતિ હો!
11 યહોવા તમે જ મહાન, શકિતશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી દેવ છો.
આ પૃથ્વી પર અને આકાશમાં જે કઇં છે તે સર્વ તમારું છે.
અને એ બધાં પર તમારી જ સત્તા સવોર્પરી છે,
યહોવા તમે સર્વ રાજ્યોની પર છો.
12 ધન અને યશ આપનાર તમે જ છો,
તમે જ સર્વ પ્રજા પર શાસન કરનાર છો.
અને સાર્મથ્ય અને સત્તા તમારા હાથમાં જ છે;
તમે જ સૌને માનપાન અને શકિત પ્રદાન કરો છો,
13 અને અત્યારે, હે અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ,
અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
14 પરંતુ આ પ્રમાણે દાન કરનાર હું કે મારી પ્રજા કોણ?
કારણકે સર્વસ્વ તમારું જ છે.
અને તમારા તરફથી જ મળેલું છે જે અમે તમને આપીએ છીએ.
15 કારણકે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ યાત્રી છીએ,
આ ભૂમિ પર અમારું જીવન પડછાયા જેવું છે.
જેની આગળ અમે કઇ પણ જોઇ શકતા નથી.
16 હે અમારા દેવ યહોવા, તમારા પવિત્ર નામ માટે મંદિર બાંધવા
અમે ભેગી કરેલી બધી સંપત્તિ
તમારા તરફથી મળેલી છે,
એ બધું તમારું જ છે.
17 હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો,
અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે,
અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે.
અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો
તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે
તે જોઇને મને આનંદ થાય છે.
18 હે યહોવા અમારા પિતૃઓ ઇબ્રાહિમ,
ઇસહાક અને ઇસ્રાએલના દેવ,
તમારા લોકોનાં હૃદયમાં આવી ભકિત સદા ઢ રાખો
અને તેમના હૃદયને તમારા પ્રત્યે સમપિર્ત રાખશે.
19 મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમપિર્ત હૃદય આપો જેથી તે
તમારી બધી જ આજ્ઞાઓ,
વિધિઓ અને નિયમોનું નિષ્ઠાપૂર્વક અનુસરણ કરે,
અને જેને માટે મેં આ બધી તૈયારી કરી છે તે મંદિર બાંધે.”
 
20 યારબાદ દાઉદે સર્વ લોકોને જણાવ્યું, “યહોવા તમારા દેવની સ્તુતિ કરો!” અને લોકોએ યહોવા તેમના પૂર્વજના દેવ સમક્ષ નમીને તેમની સ્તુતિ કરી અને રાજાનું સન્માન કર્યુ
રાજા બનતો સુલેમાન
21 બીજે દિવસે યહોવાના માટે તેઓએ 1,000 બળદો, 1,000 ઘેટાં અને 1,000 બકરાંઓનું યજ્ઞબલિ આપ્યું અને તેઓએ પેયાર્પણ પણ કર્યું, તેમણે બધા ઇસ્રાએલીઓ વતી ઘણી બલીઓ આપી. 22 પછી, તે દિવસે, યહોવા સમક્ષ ખાંધુપીધું, ને તેમણે ખૂબ આનંદ કર્યો.
ત્યારબાદ તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાને નામે શાસક તરીકે અને સાદોકને યહોવાના ઉચ્ચ યાજક તરીકે અભિષેક કર્યો.
23 આમ, સુલેમાન પોતાના પિતા દાઉદ પછી યહોવાએ સ્થાપેલી રાજગાદી પર આવ્યો. તેણે સફળતાપૂર્વક રાજ્ય કર્યુ. અને સમગ્ર ઇસ્રાએલે તેની આજ્ઞા માથે ચઢાવી. 24 તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમજ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના સમ લીધાં
દાઉદનું મૃત્યુ
25 યહોવાએ સુલેમાનને ઇસ્રાએલની નજરમાં ખૂબ મોટો કર્યો અને ઇસ્રાએલના કોઇ પણ રાજાએ પહેલાં કદીય ભોગવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી. 26 યશાઇ પુત્ર દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર શાસન કર્યું. 27 ઇસ્રાએલ પર તેનું રાજ્ય ચાળીસ વર્ષ ચાલ્યું; હેબ્રોનમાંથી તેણે સાત વર્ષ અને યરૂશાલેમમાંથી તેત્રીસ વર્ષ રાજ્ય કર્યુ હતું. 28 તેણે સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુ ભોગવી ખૂબ મોટી ઉંમરે દેહ છોડ્યો, અને તેના પુત્ર સુલેમાને તેના પછી શાસન કર્યું.
29 રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી ષ્ટા શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના ગ્રંથોમાં નોંધેલાઁ છે. 30 આ લખાણ બતાવે છે કે તેણે કેવી રીતે રાજ્ય કર્યુ, તેણે અદભૂત કાર્યો કર્યા, અને તેના ઉપર, ઇસ્રાએલ પર અને જગતના બધાં રાજ્યો પર શું શું વિત્યું.