4
1 માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.
સૂચનાઓ
2 પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો. 3 ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો 4 કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.
5 બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો. 6 તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
અંતિમ સલામી
7 પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે. 8 તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે. 9 તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.
10 મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’ 11 અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
12 એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો. 13 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું. 14 વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
15 લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો. 16 આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, ‘પ્રભુમાં જે સેવાકાર્ય તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.’ ”
18 હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.