૯૮
૧ યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ,
કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે;
તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
૨ યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે;
તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
૩ તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે;
આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
૪ હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો;
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
૫ વીણાસહિત, વીણા તથા ગાયનસહિત
યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
૬ તૂરી તથા રણશિંગડાંના અવાજથી
યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
૭ સમુદ્ર તથા તેનું સર્વસ્વ,
જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
૮ નદીઓના પ્રવાહો તાળી પાડો
અને પર્વતો હર્ષનાદ કરો.
૯ યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે;
તે ન્યાયીપણાએ પૃથ્વીનો
અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.