11
ડાહ્યો જન શું કરે છે
1 તારું અન્ન પાણી પર નાખ,
કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે* 11:1 નફો મળશે.
2 સાતને હા, વળી આઠને પણ હિસ્સો આપ,
કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે તેની તને ખબર નથી
3 જો વાદળાં પાણીથી ભરેલાં હોય,
તો તે વરસાદ લાવે છે,
જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે,
તો તે જ્યાં પડે ત્યાં જ પડ્યું રહે છે.
4 જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ,
અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.
5 પવનની ગતિ શી છે,
તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી
તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી.
તેમણે સર્વ સર્જ્યું છે.
6 સવારમાં બી વાવ;
અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ;
કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે,
અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.
7 સાચે જ અજવાળું રમણીય છે,
અને સૂર્ય જોવો એ આંખને ખુશકારક છે.
8 જો માણસ લાંબુ આયુષ્ય ભોગવે,
તો તેણે જીવનના સર્વ દિવસો પર્યંત આનંદ કરવો.
પરંતુ તેણે અંધકારનાં દિવસો યાદ રાખવા,
કારણ કે તે ઘણાં હશે,
જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે.
યુવાનને ઉપદેશ
9 હે યુવાન, તારી યુવાવસ્થાના દિવસોમાં તું આનંદ કર.
અને તારી યુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે
તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર,
તથા તારી આંખોની દ્રષ્ટિ મુજબ તું ચાલ.
પણ નક્કી તારે યાદ રાખવું કે સર્વ બાબતોનો ઈશ્વર ન્યાય કરશે.
10 માટે તારા હૃદયમાંથી ગુસ્સો દૂર કર.
અને તારું શરીર દુષ્ટત્વથી દૂર રાખ,
કેમ કે યુવાવસ્થા અને ભરજુવાની એ વ્યર્થતા છે.